એક વિશ્વ વિચારનું

વિચારશક્તિ, એક માત્ર એવી આવડત કે જે ભગવાને માત્ર મનુષ્ય ને જ આપી છે અને તેમ છતાં આપણી હાલત પ્રાણીઓ કરતા પણ કફોડી છે. આજે સમાજ અને સમય ની જોહુકમી થી આપણે સંપૂર્ણ આઝાદ હોવા છતાં આપણી હાલત પિંજરામાં રહેલા સિંહ જેવી છે. વિચારો એ આપણું પ્રતિબિંબ છે. તેના થકી માણસ ને જાણી અને પારખી શકાય છે. અને આમ પણ વિચાર એ દુનિયા ની સૌથી તાકાતવર વસ્તુ છે. કેમ કે એક શક્તિશાળી વિચાર સમગ્ર વિશ્વ ને બદલી શકવાનું સામર્થ્ય ધરાવે છે. 

“બડે સે બડા આઈડિયા, પૈસો સે નહીં એક આઈડિયા સે બડા હોતા હૈ” આ છે ફિલ્મ બદમાશ કંપની નો ડાયલોગ. ભલે કેવાય ડાયલોગ પણ આમાં પણ ખૂબ જ મોટી વાત કહી દીધી છે.તમે જ વિચારો જો વૃક્ષ પર થી નીચે પડતા સફરજન ને જોઈ ને ન્યૂટન ને વિચાર જ ના આવ્યો હોત તો? જો રાઈટ ભાઇઓ ને હવા માં પણ ઉડી શકાય તે વિચાર જ ન આવ્યો હોત તો? અને જો માર્ક ઝુકરબર્ગ ને ફેસબુક બનાવવાનો વિચાર જ ન આવ્યો હોત તો? તો અત્યારે આપણે ક્યાં હોત? 

આપણે અત્યારે એવા સમય માં જીવી રહ્યા છીએ કે જો એક પણ ક્ષણ નો વિલંબ કર્યો તો આપણો વિચાર ખાલી મન માં જ રહી જાય અને કોઈ બીજો એને પોતાનું હથિયાર બનાવી અને બાજી મારી જાય. હવે આપણે આપણા વિચારો ને બાંધી ને ના રાખતા તેનો ઉપયોગ શક્તિ તરીકે કરી અને આગળ વધવાનો સમય આવી ગયો છે.

ભારત જેવો તરવરીયા નવયુવાનો નો આ દેશ અને તેમ છતાં સમગ્ર વિશ્વ માં તેનું સ્થાન આટલું પાછળ એ કોઈ ના કોઈ ખૂણે આપણી નકામયાબી સૂચવે છે. આપણો દેશ કે જે અત્યારે વિશ્વસતા બનવા માટે સયુંકત રાષ્ટ્ર ના દરવાજે ટકોરા દઈ રહ્યો છે એવો આ દેશ એના જુના અને રૂઢિવાદી વિચારો ને કારણે પાછળ ધકેલાઈ રહ્યો છે. આપણી આ હાલત તબેલા માં બાંધેલા ઘોડા જેવી છે કે જે દોડી શકે તેમ છે અને એટલું જ નઇ પોતાના પ્રતિસ્પર્ધી ને હંફાવી દેવાની ક્ષમતા ધરાવે છે. પણ તેના પગ રૂઢિવાદી વિચારો ની સાંકળ માં બંધાયેલા છે.

આજે ૨૧ મી સદી માં પણ આપણા દેશ માં યુવાનો ના નવા વિચારો ને પશ્ચિમી સંસ્કૃતિ નું નામ દઈ ને દબાવી દેવામાં આવે છે.તેમના વિચારો અને તેમની જીવનશૈલી ને મહત્ત્વ આપવામાં નથી આવતું જેને કારણે તેમના મન માં અંદર અને અંદર દેશ અને સમાજ માટે નફરત નું ઝેર બનવાની શરૂવાત થઈ જાય છે. જે સમાજ અને દેશ ના વિકાસ માટે ખૂબ જ હાનિકારક છે.

આ દેશ માં આજે પણ કોઈ છોકરી કે સ્ત્રી ને કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરતી જોવા મળે તો આપણો સભ્ય સમાજ તેને ચારિત્રહીન ગણી લે છે. આજે આપણા દેશ માં છોકરીઓ જાહેર માં પુરુષો સાથે વાત કરવાનું ટાળે છે અને એ પણ માત્ર સમાજ ના ડર ને કારણે . તો શુ આ રૂઢિચુસ્તતા પણ એક ત્રાસવાદ નથી? શુ આ એજ ભૂમિ છે જ્યાં ભગવાન કૃષ્ણ એ એકલા હજારો ગોપીઓ સાથે રાસલીલા રમી હતી? શુ આ ભૂમિ એ અહલ્યાબાય, મીરાંબાઈ, રાણી લક્ષ્મીબાઈ અને મધર ટેરેસા જેવી મહાન સ્ત્રીઓ ને જન્મ નથી આપ્યો? તેમ છતાં આપણી માનસિકતા અને રૂઢિચુસ્ત વિચારો ને કારણે આપણે સ્ત્રીઓ ને ગોંધી રાખી છે. “જા સીમરન જા, જી લે અપની ઝિંદગી” આ ડાયલોગ તો ખાલી હવે ફિલ્મી થઈ ગયો છે. 

આ એજ ભારત દેશ છે જ્યાં ના સ્વામી વિવેકાનંદ ના આધ્યાત્મિક વિચારો એ સમગ્ર વિશ્વ ને આશ્વર્યચકિત કરી દીધું હતું.આ એજ ભારત ની ભૂમિ છે જેના વિચારો અને સંસ્કૃતિ થી આકર્ષાઈ ને સ્ટીવ જોબ્સ અને માર્ક ઝુકરબર્ગ જેવા લોકો પણ અહીં માનસિક શાંતિ માટે આવ્યા હતા. આ એજ દેશ છે જ્યાં ના એક વીરલ સંત પ્રમુખ સ્વામી મહારાજે સંયુક્ત રાષ્ટ્ર ની ધર્મસંસદ માં દરેક સમાજ અને ધર્મ ને સાથે રહી ને આગળ વધવા ની ભાવના રજુ કરી હતી. એજ દેશ જેણે સમગ્ર વિશ્વ ને શાંતિ અને અહિંસા ની શિખ આપી અને ક્રાંતિ લાવી દીધી પરંતુ આજે પોતાની જ સંસ્કૃતિ માટે ઝઝૂમી રહ્યો છે આ દેશ. અને એનું કારણ કાઈ બીજું નહીં પણ આપણી વિચારસરણી અને રૂઢિચુસ્તતા જ છે.

આજે પણ આપણે ત્યાં વેલેન્ટાઈન દિવસ અને અન્ય દિવસો માં પ્રેમીપંખીડા ને પરેશાન કરવા વાળા અને તેમના પર ટામેટા અને ઇંડા ફેંકવા વાળા ધાર્મિક સંગઠનો પડ્યા છે.દેશ પ્રેમ ના નામે વર્ષે કેટલાય લોકો ને હેરાન કરી નાખી અને પોતાની માનસિકતા સંતોષી રહ્યા છે. એટલું જ નહીં પ્રાથમિક શાળામાં ભણતા બાળકો ને પણ બાળપણથી અલગ અલગ બેસાડી તેમના મન માં પણ આ વિચારો નું ઝેર ઘોળી રહ્યા છે. આપણા દેશને આજે એવા લોકો ની જરૂર છે જે આગળ આવી ને સમાજ ને એક નવી દિશા તરફ લઈ જાય. અને સૌને સાથે લઈ ને આગળ વધે. આજે ઘણા લોકો એવું માને છે કે અશિક્ષિત લોકો જ સમાજ ને સંકુચિતતા થી દૂષિત કરી રહ્યા છે. પણ આપણી વચ્ચે રહેલા શિક્ષિત અને જવાબદાર નાગરિકો પણ ઘણી હદ સુધી છીછરી માનસિકતા ધરાવતા હોય છે. શાળા માં ભણતા પોતાના બાળકોને સારી જાતિ ના મિત્રો બનાવવાની સલાહ આપી અને માતાપિતા ખુદ પોતાના બાળકો ને આ રૂઢિચુસ્ત માનસિકતા વારસા માં આપવા માંગતા હોય છે જે આપણા દેશ માટે ખતરા ની ઘંટી સમાન છે.

આપણે જરૂર છે માળખાકીય પરિવર્તન ની અને એક નવી વિચારસરણી ની. બે વર્ષની બાળકી થી લઈ ને ૮૦ વર્ષ ના વૃદ્ધા પર થતા બળાત્કાર એ આપણા સભ્ય સમાજ ની વરવી વાસ્તવિકતા દર્શાવે છે. આંતરજ્ઞાતિ માં થતા લગ્નો ને કારણે કરવામાં આવતી હત્યાઓ આપણી સંકુચિત માનસિકતા બતાવે છે. અને એટલું જ નહીં પરિવર્તન લાવી રહેલા લોકો ને પરેશાન કરીને આપણે પોતે જ પોતાના પગ ઉપર કુહાડી મારી ને શેખચીલ્લી સાબિત થઈ રહ્યા છીએ.

તો હવે પ્રશ્ન થાય કે આ વિચારધારા બદલવા કરવું શું? કઇ રીતે આ માનસિકતા બદલી શકાય? એક જ જવાબ છે આનો “Think outside the box”. આ માત્ર ચાર અંગ્રેજી શબ્દો નથી પણ આમ જુઓ તો પરિવર્તન ની શરૂઆત કરી શકે તેવું ટોનિક છે.આપણે બસ આપણી વિચારસરણી બદલવાની જરૂર છે. આપણા વિચારો જે એક ચોક્કસ હદ સુધી બંધાઈ ગયા છે તેને મુક્ત આકાશ સુધી વિસ્તારવાની જરૂર છે.કોઈ શુ કહેશે કે પછી સમાજ શુ વિચારશે એ વાત ને ભૂલી અને આગળ વધવાનો સમય આવી ગયો છે.દરેક વ્યક્તિને વિચારવાની અને પોતાના વિચારો રજૂ કરવાની સ્વતંત્રતા મળેલી છે.આપણે આપણા વિચારો ને જુદા જુદા માધ્યમથી લોકો સુધી લઇ જવાની જરૂર છે.સમય પાકી ગયો છે એક નવા ભવિષ્ય માટે , એક નવા ઉજ્જવળ ભવિષ્ય માટે કે જ્યાં કોઈ પ્રકાર નું બંધન ના હોઈ. દરેક વ્યક્તિ પોતાની મરજી થઈ જીવી શકે અને પોતાના વિચારો રજુ કરી શકે. પણ હા, શરત માત્ર એટલી છે કે તમારા વિચારો કે કાર્ય કોઈ બીજા ને નુકસાન કે હાનિ ના પોહચાવવું જોઈએ.

માત્ર આપના દેશ ના યુવાનો જો આગળ આવી ને સંકલ્પ લે અને શરૂવાત કરે એક નવા ભવિષ્ય ની તો કોઈ ની તાકાત નથી આ દેશ ને અટકાવી શકે ફરી એક વખત મહાન રાષ્ટ્ર બનવાથી. આપણે આપણા વિચારો ને વિશ્વ ની સામે મૂકી ને બતાવી દેવા નું છે કે જો આ દેશ નો યુવાન ધારે તો કઈ પણ કરી શકે . જીદ કરો અને દુનિયા બદલો. તો આજ થી જ શરૂવાત કરો એક નવા બદલાવ ની અને આપના દેશ ને આગળ લઈ જવામાં પોતાનો ફાળો આપો. જય હિન્દ.

Leave a comment