શિક્ષણ વિના સિદ્ધિ નહીં.

સમાજ સારો ક્યારે બની શકે? જ્યારે સમાજ ના દરેક વ્યક્તિને સમાન અવસર મળે શિક્ષણ પ્રાપ્ત કરવાનો અને તેના વિચારો સમગ્ર વિશ્વ સામે રજુ કરવાનો. સુશિક્ષિત સમાજ ત્યારે જ બની શકે જ્યારે સમાજ નો દરેક વ્યક્તિ સારા અને ખરાબ વચ્ચે નો ફરક સમજતો થઈ જાય.

જેવી રીતે ઘર બનાવવુ હોઈ તો તેનો પાયો મજબુત બનાવવો જરૂરી છે એ જ રીતે દરેક બાળક ના સંપૂર્ણ ઘડતર માટે તેનો શેક્ષણિક પાયો મજબૂત હોવો ખૂબ જરૂરી છે. પહેલા કરતા અત્યારે લોકો બાળકો ના શિક્ષણ માટે વધુ વિચારતા થયા છે. આજે માં-બાપ પોતાના બાળકો ના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને સારી શાળાઓ માં અભ્યાસ માટે મોકલતા થયા છે. આ ઉપરાંત સરકાર પણ નવી નવી યોજનાઓ અમલમાં લાવી ને ગામડાઓમાં તેમજ અન્ય પછાત વિસ્તારમાં શિક્ષણ વ્યવસ્થા પોહચાવી રહી છે. એ ઉપરાંત મફત અને ફરજીયાત શિક્ષણ ઉપલબ્ધ કરાવી ને લોકો ને શિક્ષણ સાથે જોડવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ અફસોસ આમ છતાં આપણે ત્યાં સાક્ષરતા દર માં કોઈ અસરકારક વધારો જોવા નથી મળી રહ્યો.

આજકાલ બાળકો ને સેન્ટ્રલ બોર્ડ માં અને ઇન્ટરનેશનલ બોર્ડ માં મુકવાનો ક્રેઝ વધી રહ્યો છે. પહેલા કરતા શાળા અને કૉલેજો ની સંખ્યા માં પણ વધારો જોવા મળી રહ્યો છે.પણ તેમ છતાં શિક્ષણ નું સ્તર સતત કથળતું જઇ રહ્યું છે.જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. આપણી શિક્ષણ વ્યવસ્થા વૈશ્વિક સ્તરે નબળી પડી રહી છે. જે માટે માત્ર સરકારે જ નહીં પણ આપણે પણ જાગૃત થવું પડશે.

સૌપ્રથમ વાત કરીએ પ્રાથમિક શિક્ષણ ની તો આજે ભારત ના લગભગ દરેક ગામડાઓ માં પ્રાથમિક શાળાની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ તેમ છતાં શિક્ષણ પ્રત્યે સભાનતા નથી. સરકાર મફત શિક્ષણ ઉપરાંત પુસ્તકો અને મધ્યાન ભોજન મફત આપી ને લોકો ને શિક્ષણ તરફ આકર્ષી રહી છે. નવી નવી યોજનાઓ જેવી કે શિષ્યવૃત્તિ યોજના તેમજ કન્યા કેળવણી યોજના ઉપરાંત શાળા એ આવતા બાળકો ને સાઇકલ આપવાની પણ યોજના અમલમાં મુકવામાં આવી છે. તેમ છતાં શિક્ષણ ની ગુણવત્તા માં સુધારો નથી થઈ રહ્યો. કારણ છે શિક્ષકો પૂરતા પ્રમાણમાં નથી અથવા તો જે છે એ પુરી ક્ષમતા થી ભણાવતાં નથી. જાપાન જેવા દેશો માં તો નીચલા ધોરણમાં પુસ્તકો અને પેન્સિલ ને પણ જરૂરી નથી ગણવામા આવતી. પરંતુ તેમને માત્ર ગમ્મત સાથે જ્ઞાન મળી રહે અને તેમનું સંપૂર્ણ ઘડતર થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે છે.

આજે શિક્ષકો અને શેક્ષણિક સંસ્થાઓ નું કામ ખાલી શિક્ષણ આપવાનું જ નહીં પણ બાળકો માં સંસ્કાર અને રાષ્ટ્રભાવના નું સિંચન કરવાનું પણ છે. પ્રાથમીક ધોરણ થી જ તેમને જ્ઞાતિવાદ અને ભ્રષ્ટાચાર વિરોધી વિચારો થી સુશિક્ષિત કરવા જોઈએ.તેમના માં જ્ઞાન અને કૌશલ્ય ની વૃદ્ધિ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવવી જોઈએ.

જો સમાજ સુશિક્ષિત બનશે તો અને માત્ર તો જ આપણે સમગ્ર વિશ્વમાં પોતાનો પરચમ લહેરાવી શકીશું. આજે આપણી પાસે યુવાનો છે કે જે સમગ્ર વિશ્વ ને ટક્કર આપી શકે એમ છે પણ તેમને જરૂર છે યોગ્યતા પ્રાપ્ત કરવાની. જે માટે આપણે IIM અને IIT જેવી વિશ્વ કક્ષાની વધુ શેક્ષણિક સંસ્થાઓ ની જરૂર છે. જેમાં દરેક ને સમાન તકો મળી રહે તે ઈચ્છનીય છે.

વિશ્વમાં સૌથી વધુ સ્નાતકો આપણા દેશ માં છે પરંતુ તેમની ગુણવત્તા ને કારણે તે ફાયદાકારક નથી સાબિત થઈ શકતું. આપણે જરૂર છે યોગ્ય શિક્ષકોની . આજે સૌથી વધુ જવાબદારી શિક્ષકો પર છે. કેમ કે તેમના હાથમાં આપણા દેશનું ભવિષ્ય તૈયાર થઈ રહ્યું છે.શિક્ષક એક દિવસ ના ભણાવે એ ચાલશે પણ એ ગુણવતારહિત ભણાવશે એ નહીં ચાલે.

અત્યારે આપણે ત્યાં એક નવો પ્રશ્ન આવી પડ્યો છે અને એ છે પ્રાઇવેટ શેક્ષણિક સંસ્થા દ્વારા ફી વધારવા માં આવી રહી છે. જે અન્યાય થઈ રહ્યો છે એવું લોકો કહી રહ્યા છે. જોકે આ વાત ખોટી છે લોકો પોતે જ પોતાના બાળકો ને વધુ સગવડો ધરાવતી શાળા માં મોકલે છે અને એ માટે તેઓ પૈસા વસૂલ કરે છે. આજે સરકારી શાળાઓ માં પણ શિક્ષણ નું સ્તર સુધરી રહ્યું છે. જો ફી વધારા થી એટલી જ તકલીફ હોય તો લાવો પરિવર્તન અને પોતાના બાળકો ને સરકારી શાળા માં ભણાવો.

સમય આવી ગયો છે કે આ બધી વાતો થી આગળ આવી ને દેશ ના વિકાસ માં સાથ આપવાનો. આપણે બાળકો ના શિક્ષણ માં રસ લેવાની જરૂર છે. દર વર્ષે મંદીરો માં કરોડો ની આવક થઈ છે પણ જો એટલા જ પૈસા આ દેશ ની શિક્ષણ વિભાગ ને આપવામાં આવે તો દરેક ગામો માં સારી શાળા-કૉલેજો ની સ્થાપના થઇ શકે. દરેક ને ગુણવત્તાસભર શિક્ષણ મળી શકે. જો દરેક વ્યક્તિ વિચાર કરે કે પોતે કોઈ પણ એક બાળક ને શૈક્ષણિક રીતે દત્તક લઇ અને તેને આગળ લાવવામાં મદદરૂપ થઈએ તો આપણે એક સુશિક્ષિત અને સુદ્રઢ સમાજ બનાવી શકીએ.

સવાલ એ નથી કે સરકાર સમાજ માટે શુ કરે છે. સવાલ એ પૂછો કે આપણે દેશ માટે શું કરી શકીએ છીએ. તો જ આપણે આ ચિત્ર બદલવામાં સફળ થઈશું. જય હિન્દ.

Leave a comment