
શીર્ષક વાંચી ને ઘણા ને એમ થતું હશે કે શું હશે આ પ્રશ્ન નો ઉદેશ્ય? પણ સાચ્ચે માં આપણે ફરી એક વાર એમની જરૂર પડી છે. એમને આપેલા સત્યાગ્રહ ને લોકો લાંછન લગાવી રહ્યા છે. છેલ્લા થોડા સમય થી તો જાણે લોકો ને વિરોધ પ્રદર્શન માં મજા પડી ગઈ હોઇ એવું લાગે છે. તેમને મન ફાવે તેમ વિરોધ કરી રહ્યા છે. એક વાત સમજાવો કે ટાયર સળગાવી ને તમે શુ સાબિત કરવા માંગો છો. બસ ઉપર પથ્થરમારો કરવાથી શુ ફાયદો થવાનો છે?
એવું કહેવાય છે કે બાળકો ના મન માં એક વાત છપાઈ જાય તો એ મિટાવી નથી શકાતી. આ બાળકો મોટા થઈને આ દેશ નું સન્માન કેમ કરી શકે જ્યાં આવા માણસો વસે છે. આ દેશ ને ભય બોર્ડર પાર રહેલા ત્રાસવાદીઓ થી નથી પણ એવા લોકો થી છે જે દેશ માં રહી ને જ દેશ ને ખોખલો કરી રહ્યા છે.
જાપાન જેવા દેશો માં જ્યારે સરકાર નો વિરોધ કરવો હોય તો ત્યાં ના લોકો રોજ કરતા વધુ કામ કરે છે કેમ કે જાપાન પાસે માલ નો સંગ્રહ કરી શકવાની વ્યવસ્થા નથી. વધુ કામ કરવાથી તૈયાર થયેલો માલસામાન સાચવવો ક્યાં એ મુશ્કેલી બની જાય અને સરકારે એમની વાત સાંભળવી પડે. પણ આપણે ત્યાં તો લોકો કામ છોડી ને નુકસાન કરવા લાગે. બસ, પોલીસ સ્ટેશન, રેલવે સ્ટેશન જેવી જાહેર મિલકતો ને નુકસાન કરી ને પોતાને જ નુકસાન કરતા હોય છે.
નાની નાની વાતો માં બંધ જાહેર કરી દેવો અને એટલું જ નહીં પણ જબરદસ્તીથી દુકાનો બંધ કરવામાં આ લોકો ને મજા આવે છે.આ લોકો કોઈ દેશપ્રેમી કે કોઈ સમાજસેવક નથી. આ લોકો નું કામ જ છે કેમ કરી ને બીજા ને પરેશાન કરવા. રાજકારણ રમી ને પોતાના રોટલા શેકી લેવા વાળા લોકો છે આ. આ એજ લોકો છે જે પોતાની જરૂરિયાત માટે લોકો ની લાગણી નો મન ફાવે તેમ ઉપયોગ કરે છે. આમ જનતા ને ઉશ્કેરી ને પોતાનો મતલબ કાઢી લે છે.
આપણે જરૂર છે તો માત્ર એક સારા વિચાર ની. આપણે આ બધા જ્ઞાતી જાતિ ના ભેદભાવ માંથી બહાર આવી ને તેનાથી આગળ વિચારવાની જરૂર છે. વિરોધ કરવો જ હોઈ તો શાંતિ થી કરો. રસ્તો મુશ્કેલ છે પણ તેમાં વિજય નિશ્ચિત છે. જો શસ્ત્ર ઉપાડ્યા વગર એક દુર્બળ મોહનદાસ ગાંધી આ દેશ ને આઝાદ કરાવી શકે તો આપણે પણ બદલાવ લાવી જ શકીયે.
પણ જો આપણે કોઇ ને શાંતિ ની વાત કરીયે તો એમ બોલે કે દેશ ને આઝાદી તો ભગતસિંહ જેવા યુવાનો એ અપાવી. વાત સાચી છે કે આપણે એમના મહામૂલ્ય યોગદાન ને ભૂલી ના શકીયે પણ એ વાત પણ યાદ રાખવી જોઈએ કે એમને દેશ માટે લડાઈ લડી હતી અને તમે દેશ સામે જ લડત કરો છો.
એક સામાન્ય માણસ કે જે માંડ માંડ કરી ને ઘર ચલાવતો હોઈ એ લોન લઇ ને એક મોટરસાયકલ ખરીદે અને એના થોડા જ દિવસ માં એના મોટરસાયકલ ને વિરોધ પ્રદર્શન કરવામાં સળગાવી દેવામાં આવે. આ તો કેવો વિરોધ? શુ આપણે માનવતા ભૂલી ચુક્યા છીએ?
ફિલ્મો માત્ર મનોરંજન માટે હોઈ છે. ફિલ્મો આવશે અને ઉતરી પણ જાશે. પણ.માનવતા… એ હંમેશા જીવંત રહેવી જોઈએ. સૌને માનવતા જાળવી રાખવા પ્રાર્થના છે.
પ્રજાસત્તાક દિવસ ની સૌને શુભેચ્છા…
જય હિન્દ