
છેલ્લા થોડા દિવસો થઈ હું પણ લગ્ન માં વ્યસ્ત હતો જેના કારણે લખવા માટે નો સમય નહોતો મળતો.પણ આજે હવે જ્યારે લખવા બેઠો છું તો એના ઉપર જ લખવું જોઈએ એવો વિચાર આવ્યો. આપણે ત્યાં લગ્ન એ બહુ જ મોટા ઉત્સવ જેવું હોય છે. કેટલાય મહેમાનો આવી ગયા હોય છે, ફટાકડા, ગરબા, ડાન્સ અને આજકાલ તો DJ જ મુખ્ય જરૂરિયાત થઈ ગઈ છે.
તેમ છતાં આ લગ્નો માં ઘણું જોવા અને વિચારવા જેવું પણ મળી આવે છે.આજે જ્યારે સમય આટલો મોર્ડન વિચારો વાળો થઈ ગયો છે છતાં લગ્ન પ્રસંગોમાં આપણે જુનવાણી વિચારો ને મહત્વ આપતા હોઈએ છીએ. થોડીક વાતો ઉપર ખાસ ધ્યાન દોરવવું છે.
સૌથી પહેલો મુદ્દો છે દહેજ પ્રથા. આજે આપણા ગુજરાતમાં ભલે એટલું બધું દહેજ પ્રથા નું દુષણ રહ્યું નથી. છતાં પણ દેશ ના કેટલાક રાજ્યો તો એવા છે કે જ્યાં દહેજ વગર લગ્ન કરવા તો માત્ર સ્વપ્ન સમાન છે. આપણે ત્યાં છોકરા વાળા ના પાડે તો પણ “દીકરી ને આપવું તો જોઇએ ને” એવું કહી ને આપવા વાળા પડ્યા છે. શુ તમારી મહામૂલ્ય દીકરી આપવી કાફી નથી? અને આટલું જ નહીં લગ્નપ્રસંગ માં આવેલા દરેક મહેમાન ને પહેરામણી માં પણ ભેટ-સોગાદ આપવાની. આ તો કેવી પ્રથા?
હજી વાત કાઈ પુરી નથી થઈ જતી. લગ્ન પ્રસંગોમાં છોકરા વાળા અને છોકરી વાળા વચ્ચે જે પ્રકારે ભેદભાવ રાખવામાં આવે છે તે પણ અસહ્ય છે. હંમેશા થી જોતા આવ્યા છીએ કે છોકરી વાળાઓ એ હંમેશા નમતું જોખવું પડે છે અને કદાચ આજ કારણ હશે કે લોકો પુત્ર જન્મ નો મોહ રાખતા હશે. જેવી રીતે કન્યા પક્ષ ના લોકો હાથ જોડતા હોઈ છે ત્યારે એવું લાગે કે જાણે કન્યા ને જન્મ આપી ને તેમણે કોઈ ગુનો કરી લીધો હોય. અને એમાં પણ સમાજ ના ડર થી કેટકેટલાંય ખર્ચા નું ભારણ માતા પિતા પર આવી પડે છે એ તો કોઈ જોતું પણ નથી.
પેલા વ્હોટસએપ વાળા પણ ખોટા નથી કે લગ્ન તો કોર્ટ માં જ કરી લેવાઈ, કમસેકમ ખર્ચો તો બચે. આજકાલ લગ્ન માં લાખો રૂપિયા નો ખર્ચો કરવામાં આવે છે અને એ પણ જરૂરી નહીં માત્ર દેખાડો કરવા માટે. કરોડો રૂપિયાના ખર્ચે પોતાના બાળકો ના લગ્ન કરવા વાળા લોકો સરકાર સામે પોતાના સમાજ માટે બજેટ ફાળવવા માટે દેખાવો કરતા હોય છે. જો એટલો જ સમાજ પ્રત્યે પ્રેમ હોય તો એટલા પૈસા થી સમાજ ના બાળકો ને ભણાવી અને આગળ લાવવામાં મદદ કરી જ શકાય.
આજકાલ લગ્ન એ ખાલી બે દિલો ના મિલન નો પ્રસંગ નથી રહ્યો. હવે લગ્ન એટલે ચાર પાંચ દિવસ નો જલસો જેમાં લોકો પૈસા ઉડાવી અને મજા કરે છે. તો પાછું કોઈ કોઈ જગ્યા એ તો લગ્ન એટલે દારૂ પીવાની મોજ. શુ જરૂર છે આટલા ખર્ચા ની?
લગ્ન એટલે બે વ્યક્તિઓ કે જે હંમેશા માટે એકબીજા ના થવા જઈ રહ્યા છે એમને ઉજવવાનો દિવસ. બે પરિવારોના મિલન નો પ્રસંગ. પણ આજકાલ લગ્નપ્રસંગ માં બાકી બધા ખુશ હોઈ પણ જેના લગ્ન હોઈ એજ પરિવાર બિચારા ટેન્શનમાં બેઠા હોય કે બધા ને સાચવવા કેમ.
આપણે ત્યાં એક બહુ જ ખરાબ પ્રથા છે કે લગ્ન માં દરેક ખુશ હોવું જોઈએ. જરૂરી એ નથી કે કોણ કોણ ખુશ છે જરૂરી ખાલી એટલું જ છે જેના લગ્ન થઈ રહ્યા છે તે બંને ખુશ હોઈ. લગ્ન પ્રસંગ માં થતી મથામણ અને તકલીફો જોઈ ને આજના યુવાઓ એના થી દુર ભાગી રહ્યા છે. આજે આપણે ખાલી એટલું જ કરવાનું છે કે આપણી આવનારી પેઢીનો લગ્ન માંથી વિશ્વાસ ના ઉઠી જાય એનું ધ્યાન રાખવું. તો ચાલો આપણે પણ લગ્ન માં થતા દૂષણો ને અટકાવીએ અને સમાજ ને સ્વચ્છ બનાવીએ.
જય હિન્દ.