રાજકારણ અને વીરોધ પ્રદર્શન- બે જુના જોગી.

રાજનીતિ હંમેશા થી લોકો માટે અપ્રિય રહી છે. બધા લોકો તેને ગંદકી સમજે છે પણ તેને સાફ કરવા માટે કોઈ ઉતારવા નથી માંગતુ.આજે દરેક ક્ષેત્રમાં એટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કે આ સભ્ય સમાજ માં શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ ગયો છે.

રાજકારણ નું સતત કથળતું જતું સ્તર આપણા સૌમાટે ખૂબ જ ચિંતા નો વિષય છે. દરેક ચૂંટણીઓ માં કેટકેટલાય વાયદાઓ કરવામાં આવે છે અને પ્રજા ની લાગણી સાથે ખીલવાડ કરવામાં આવે છે. હાલ માં જ થયેલી ઉતર-પૂર્વ રાજ્યો ની ચૂંટણી પછી ત્યાં થયેલા દેશવિરોધી સૂત્રોચ્ચાર એ આપણી નબળી કડી દર્શાવે છે. કોઈ પણ કાળે આ દેશવિરોધી પ્રવૃત્તિઓ સાંખી શકાય નહીં.

એક નવનિર્વાચીત સંસદસભ્ય પક્ષ પલટો કરી ને અસભ્ય ભાષા નો પ્રયોગ કરે અને એ પણ એક મહિલા સભ્ય માટે એ કોઈ પણ રીતે એક નેતા ને શોભે નહીં.આવી ઘટનાઓ ની ખાલી નિંદા કરવાથી કાઈ નહીં થાય. કાયદો અને વ્યવસ્થા માં સુધારો ત્યારે જ આવી શકે જ્યારે યોગ્ય નેતૃત્વ હોઈ, જ્યાં નેતા ના જ ચરિત્ર સારા ના હોઈ તો તેમના કાર્યકરો પણ મનફાવે તેમ વર્તન કરે જ ને.

આપણે આટલા વર્ષો થી જોતા આવ્યા છીએ કે ચૂંટણી પૂર્ણ થયા પછી કોઈ નેતા ક્યારેય દેખાયા નથી તો એમાં ભૂલ કોની? ભૂલ આપણી જ કે આપણે આવા નેતા ને મત આપી અને એને સરકાર માં બેસાડ્યો. અને આવી ભૂલ થઈ ગયા પછી બીજી ભૂલ એ કે એમનો વિરોધ કરવા માટે આપણે હિંસક રસ્તો અપનાવીએ છીએ. થોડાક આંકડાઓ જોઈએ તો માત્ર ગુજરાત માં છેલ્લા બે વર્ષ માં વિરોધ પ્રદર્શન માં થયેલી હિંસા માં આપણે આપણા જ પૈસા ની લગભગ એક હજાર કરોડ રૂપિયા ની સરકારી મિલકતો ને નુકસાન કર્યું છે. અને પછી આપણે જ બોલીએ છીએ કે સરકાર સારી બસ નથી મૂકતી. પણ મારા વાલા ક્યાંથી મૂકે, તમે જ વિરોધ કરવાના જોશ માં સળગાવી મુકો છો બધું.

દેશનું યુવાધન કે જેણે દેશ ના વિકાસ માં ફાળો આપવો જોઈએ એ અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. અને એ પણ આટલા હિંસક રસ્તે જઇ ને.

પણ આ બધી વાતો વચ્ચે પણ એક આશા ની કિરણ દેખાઈ,જ્યારે પુના થી મુંબઈ સુધી ૧૮૦ કિમી ની પદયાત્રા ખેડૂતો દ્વારા કરવામાં આવી અને એ પણ એકદમ શાંતિપૂર્વક. સલામ છે એ ત્રીસ હજાર કરતા વધુ ખેડૂતો ને કે જેમને વિરોધ પ્રદર્શન માં પણ એક અલગ જ છાપ છોડી. અને એ જ કારણ છે કે સરકારે પણ એમની આગળ નમવું પડ્યું. જો આવી રીતે વિરોધ કરવામાં આવે તો એને સલામ કરવાનું મન થાય બાકી બસ સ્ટેન્ડ અને પોલીસ સ્ટેશન સળગાવી નાખવા થી તો પોતાનું જ નુકસાન થાય.અને આવા લોકો પોતાની જ ડાળી ને કાપતા શેખચીલ્લી થી ઓછા નથી.

સરકાર અને પ્રશાસન ની એક જ જવાબદારી છે કે જનતા નો અવાજ સાંભળે અને એનું નિરાકરણ કરે નઈ કે વિધાનસભા માં મારામારી. હવે તો ચૂંટણીપંચ ને એક જ અપીલ છે કે જેવી રીતે ચૂંટણી પહેલા લોકો ને જાગૃતિ લાવવા માટે વીડિઓ દેખાડવામાં આવે છે અને સમાચાર પત્ર માં જાહેરાત આપવામાં આવે છે એ જ રીતે દરેક બેઠક પર ત્યાં ના ધારાસભ્ય અને સંસદસભ્ય નું વિધાનસભા અને સંસદ માં કેવું વર્તન હતું તેનો વીડિઓ બતાવવો જોઈએ. જેથી તેમને પણ ખબર પડે કે તેમના ચૂંટેલા નેતા ત્યાં જઈ ને કરે છે શું?

તો આવો એક શિક્ષિત અને સભ્ય સમાજ નું નિર્માણ કરીયે અને માત્ર રાજકારણ માં જ નહીં પણ દરેક ક્ષેત્રમાં ક્રાંતિ લાવીએ અને દેશ પ્રત્યે આપણી જવાબદારી નિભાવીએ.
જય હિન્દ.

Leave a comment